Tuesday, January 22, 2013

ગતિની ગતિ

હજુ  તો  વસંતની  હવા  વહેતી  નહોતી  થઇ.  આંબે  મોર  નહોતા  બેઠા.  ત્યાં  શિયાળુ  પવનના  ઝપાટા

ખાતું  એક  જીવડું  પોતાના  દરમાંથી  બહાર  નીકળ્યું.  તેના  સગાંવહાલાંએ ઘણું  સમજાવ્યું  કે  દરમાં

રહીને  આરામ  કર, ક્યાંક  બહાર  નીકળીશ  તો  મરી  રહીશ. પણ  તેણે  કોઈનું  ન  માન્યું. એ  તો  આંબાના

થડ  પર  મહામુશ્કેલીએ  ચડવા  માંડ્યું.  આંબાની  ડાળ  પર  ઝૂલતા  પોપટે  એને  જોયું.  ચાંચ  નીચી

નમાવીને  તેણે  પૂછ્યું:

'અલ્યા  જંતુડા,  આ  ટાઢમાં  ક્યાં  ચાલ્યું?'

'કેરી  ખાવા.'

પોપટ  હસી  પડ્યો.  જીવડું  તેને  મૂરખનું  સરદાર  લાગ્યું.

તેણે  તુચ્છકારથી  કહ્યું: 'અરે  મૂરખ,  કેરીનું  તો  આં  આંબા  પર  નામનિશાન  નથી.  હું  ઉપર  બધે  જોઈ

શકું  છું  ને!'

'તું  ભલે  જોઈ  શકતો  હો!'  જીવડાએ ટગુમગુ  ચાલતાં  કહ્યું: 'પણ  હું  પહોંચીશ  ત્યારે  ત્યાં  કેરી  હશે.'

આ  જંતુના  જવાબમાં  સાધકની  જીવનદૃષ્ટિ  રહી  છે.  જંતુ  પોતાની  ક્ષુદ્રતા  સામે  નથી  જોતું.  પ્રતિકૂળ

 સંજોગોથી  તે  ગભરાઈ  નથી  જતું.  ધ્યેયનું  કોઈ  ચિહ્ન  ન  દેખાતું  હોવા  છતાં  તેણે  ધ્યેયની  પ્રાપ્તિમાં

 શ્રદ્ધા  છે.  પોતાના  પગલે  પગલે  ફળનો  સમય  પાકતો  જશે  એમાં  તેણે  લેશમાત્ર  શંકા  નથી.

 પોતાના  સગાંવહાલાં  કે  પોપટ  પંડિત  ગમે  તે  કહે  તેની  એને  પરવા  નથી. એના  અંતરમાં  તો  છે

 એક  જ  રઢ  અને  એક  જ  રટણ:

      હરિસે  લાગી  રહો  મેરે  ભાઈ,

             તેરી  બનત  બનત  બન  જાઈ.

                                                                                                           --'સહજને કિનારે' - મકરંદ  દવે    

ભોજો ભરવાડ

ભોજો  ભરવાડ  રોજેરોજ  છેતરાય ,
કિયે : હાલ્યા  કરે, હોય;

દળો  શેઠ  રોજેરોજ  બમણું  કમાય,
અને  કરે  હાયવોય.

રાત  પડ્યે  ભોજો  કાં  તો  ભજન  ઉપડે,
કાં  તો  ગણ્યા  કરે  તારા;

ઝીણી  વાતે  દળો  કાં  તો  ચોપડો  ઉઘડે,
કાં  તો  ગોખ્યા  કરે  ધારા.

એક  દી  ઉલડીયો  કરીને  આયખાનો ,
સુખે  હાલ્યો  ગયો  ભોજો;

દલા  શેઠ  માથે  પડ્યો  એક  દી  નફાનો 
જાણે  મન  મન  બોજો.

----મકરંદ દવે 

ગમતું મળે તો અલ્યા,

ગમતું  મળે  તો  અલ્યા, ગૂંજે  ન  ભરીયે
ને  ગમતાંનો  કરીએ  ગુલાલ.

આડા  દે  આંક  એ  તો  ઓશિયાળી  આંગળી,
પંડમાં  સમાય એવી  પ્રીતિ  તો  પાંગળી,
સમદરની  લ્હેર  લાખ  સુણી  ક્યાંય  સાંકળી ?
ખાડા  ખાબોચિયાને  બાંધી  બેસાય,  આ  તો  વરસે  ગગનભરી  વ્હાલ
ગમતાંનો  કરીએ ગુલાલ.

ગાંઠે  ગરથ  બાંધી  ખાટી  શું  જિંદગી ?
સરીસરી  જાય  એને  સાચવશે  ક્યાં  લગી ?
આવે  તે  આપ  કરી  પળમાં  પસંદગી,
મુઠ્ઠીમાં  રાખતાં  તો  માટીની  પાંદડી ને વેર્યે  ફોરમનો  ફાલ.
ગમતાંનો  કરીએ  ગુલાલ.

આવે  મળ્યું  તે  દઈશ  આંસુડે  ધોઈને,
ઝાઝેરું  જાળવ્યું  તે  વ્હાલેરું  ખોઈને,
આજ  પ્રાણ  જાગે  તો  પૂછવું  શું  કોઈને ?
માધવ  વેચતી  વ્રજનારી  સંગ  તારા  રણકી  ઉઠે  કરતાલ !
ગમતાંનો  કરીએ  ગુલાલ.

ગમતું  મળે  તો  અલ્યા,  ગૂંજે  ન  ભરીયે
ને  ગમતાંનો  કરીએ  ગુલાલ.

---- મકરંદ દવે.